Search for:
  • Home/
  • ગુજરાત/
  • ગણેશોત્સવની ભવ્યતા, અગાધ આસ્થા અને સેવાનો અનોખો સંગમ એટલે સાંઈરામ યુવક મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી ઉજવાતો ગણેશ ઉત્સવ

ગણેશોત્સવની ભવ્યતા, અગાધ આસ્થા અને સેવાનો અનોખો સંગમ એટલે સાંઈરામ યુવક મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી ઉજવાતો ગણેશ ઉત્સવ

સુરત: મુંબઈ અને પૂણે બાદ સુરતમાં સૌથી મોટા પ્રમાણમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. અનેક મંડળો દ્વારા વિવિધ થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવતા હોય છે. ત્યારે સુરતના અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ ખાતે સાંઈરામ યુવક મંડળ દ્વારા છેલ્લાં 28 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી એટલી ભવ્ય રીતે થાય છે કે ગણપતિ બાપ્પાના દર્શન માટે દૂર-દૂરથી ભક્તો ઉમટી પડે છે. ગણેશ ઉત્સવની ભવ્યતા, અગાધ આસ્થા અને સેવાકીય કાર્યોનો અનોખો સંગમ બની ચૂકેલા સાંઈરામ યુવક મંડળના ગણપતિ અંગે એવી માન્યતા છે કે, બાપ્પાના કાનમાં ઈચ્છા કહેવાથી તે ચોક્કસ પૂરી થાય છે! આ માન્યતાને સાચી સાબિત કરતાં, દર વર્ષે 50થી 80 શ્રદ્ધાળુઓ પોતાની ઈચ્છા પૂરી થતાં ગણેશજીની મંગલમૂર્તિ મંડપમાં મૂકી જાય છે. સાંઈરામ યુવક મંડળના આયોજક કમલ મેવાવાલાએ જણાવ્યું, હતું કે “28 વર્ષથી અમે આ ઉત્સવ ધૂમધામથી ઉજવીએ છીએ. ગણપતિ બાપ્પા પર લોકોની અગાધ શ્રદ્ધા છે, અને દર્શન માટે આવતા ભક્તોની સંખ્યા દર વર્ષે વધે છે. અમારા 10-12 આગેવાનો ખર્ચ ઉઠાવે છે, અને કોઈ બહારનું ફંડ લેવામાં આવતું નથી.

– મુંબઈથી ખાસ મૂર્તિ, શહેરમાં નાસિકના ઢોલ સાથે ભવ્ય શોભાયાત્રાની શરૂઆત કરનાર પ્રથમ મંડળ

સાંઈરામ યુવક મંડળ દર વર્ષે મુંબઈથી ખાસ ઓર્ડર આપીને ગણેશજીની ભવ્ય મૂર્તિ મંગાવે છે, જે 10 દિવસ સુધી મંડપમાં સ્થાપિત થાય છે. આ ગ્રૂપે શહેરમાં સૌપ્રથમ નાસિકના ઢોલ સાથે શોભાયાત્રાની શરૂઆત કરી, જે આજે પણ લોકોનું દિલ જીતે છે. દર વર્ષે 20થી 25 હજાર ભક્તો દર્શન માટે ઉમટે છે, અને દરેક વખતે મંડપને અલગ-અલગ થીમથી સજાવીને ભવ્ય રૂપ આપવામાં આવે છે. આ થીમ પર મંડપ બનાવવામાં એક મહિનાની મહેનત લાગે છે, અને શોભાયાત્રા શહેરની શાન બની રહે છે.

– શહેરમાં પહેલી વખત ઓરકેસ્ટ્રાથી આરતી
ગણેશોત્સવ દરમિયાન મંડપ અને આસપાસનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. સાંઈરામ યુવક મંડળે શહેરમાં સૌપ્રથમ ઓરકેસ્ટ્રા સાથે ગણેશ આરતીની શરૂઆત કરી હતી, જે ભક્તોને એક અનોખો અનુભવ આપે છે. આ સાથે, નાસિકના ઢોલની ધૂન પર શોભાયાત્રા શહેરની ગલીઓમાં રોનક લાવે છે.

– આ વર્ષે ‘ગજરાજ’ થીમથી ભવ્ય મહેલનો પંડાલ

દર વર્ષે નવી થીમ સાથે મંડપને નવો રંગ-રૂપ આપવામાં આવે છે. ગયા વર્ષે પેલેસ થીમે લોકોનું મન મોહ્યું હતું, અને આ વર્ષે ‘ગજરાજ’ થીમ પર ભવ્ય મહેલ બનાવવામાં આવ્યો છે. આ માટે મુંબઈ અને કલકત્તાથી ખાસ કારીગરો આવ્યા હતા. 60 ફૂટ પહોળો, 150 ફૂટ લાંબો અને 50 ફૂટ ઊંચો આ મંડપ 50 કારીગરોની એક મહિનાની મહેનતથી તૈયાર થયો છે.

– સેવાકાર્યમાં પણ આગવી પહેલ: બ્લડ ડોનેશન અને નોટબુક વિતરણ

ગણેશોત્સવ દરમિયાન સાંઈરામ યુવક મંડળ ભક્તિની સાથે સેવાકાર્ય પણ ઉત્સાહથી કરે છે. દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે, જેમાં 300 બોટલ બ્લડ એકત્ર થાય છે. આ ઉપરાંત, 1000થી વધુ નોટબુક સ્કૂલના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવે છે, જે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ છે.