લાન્સર્સ આર્મી સ્કૂલ્સના વાર્ષિક સમારોહ ‘રિધમ એન્ડ રૂટ્સ’ની ઉજવણી કરાઇ

સુરતઃ લાન્સર્સ આર્મી સ્કૂલ્સ દ્વારા 2 અને 3 નવેમ્બરે બે દિવસીય વાર્ષિકોત્સવ ‘રિધમ એન્ડ રૂટ્સ’નું ઉત્સાહભેર આયોજન કરાયું હતું. અર્લી યર્સથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ તેમાં અનેરા ઉત્સાહથી ભાગ લીધો હતો અને સંગીત, નૃત્ય, રમતગમત તથા મનોરંજનના જુદા જુદા ક્ષેત્રોમાં પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

ઉત્સવની શરૂઆત ઈશ્વરના આશીર્વાદ મેળવવા પ્રાર્થના થકી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મહેમાનો અને પ્રેક્ષકોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ‘રિધમ એન્ડ રૂટ્સ’ થીમ દ્વારા સાંસ્કૃતિક વારસા અને આધુનિકતાના સુંદર સંગમને રજૂ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં સૌપ્રથમ કર્ણપ્રિય સમૂહગાન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થીમ બેઝ્ડ રંગબેરંગી નૃત્યની રજૂઆતે સૌનું મન મોહી લીધું હતું. અર્લી યર્સના નાનાં ભૂલકાંઓએ સુંદર નૃત્ય અને મનમોહક અદાઓથી સૌનાં દિલ જીત્યાં હતાં, જ્યારે મોટા વિદ્યાર્થીઓએ ઊર્જાથી ભરપૂર લોકનૃત્યો અને મોર્ડન નૃત્યોથી દર્શકોમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જ્યું હતું.

હાસ્યના કાર્યક્રમમાં પણ વિદ્યાર્થીઓએ ખડખડાટ હસાવ્યા હતા. વિદ્યાર્થીઓએ યોગ પ્રદર્શન દ્વારા અદ્ભુત સંતુલન અને તાલમેલનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે ઝડપી સ્કેટિંગ શોમાં તેમણે પોતાની કુશળતા અને આત્મવિશ્વાસ ઝળકાવ્યા હતાં.

કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ ભવ્ય ગ્રાન્ડ ફિનાલે હતું, જેમાં ઉત્સાહી વાલીઓ પણ વિદ્યાર્થીઓ સાથે મંચ પર જોડાયા હતા. સૌએ સાથે મળીને નૃત્ય કર્યું હતું. આ પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને અનેરા આનંદથી ભરી દીધું હતું.

સ્કૂલના સ્થાપકશ્રીએ વિદ્યાર્થીઓ અને સમગ્ર લાન્સર્સ પરિવારને આપેલા પ્રેરણાદાયી સંદેશમાં સૌની એકતા, મહેનત અને સર્જનાત્મકતાની ભાવનાની પ્રશંસા કરી હતી.બે દિવસની આ ઉજવણીનું સમાપન ગૌરવપૂર્ણ વાતાવરણમાં રાષ્ટ્રગાન સાથે થયો હતો.