ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” સમગ્ર ગુજરાતમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડશે

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવ અને 4 સપ્ટેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન

અમદાવાદ તા. 19 ઓગષ્ટ 2026: ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. આ વર્ષે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી તેમજ તેના આધ્યાત્મિક સંદેશને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, સાણંદ, વિરમગામ, કડી-કલોલ ખાતે 22 ઓગષ્ટ થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની ઉજવણી કરવામાં આવશે. સાથોસાથ 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવનું ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે કરવામાં આવ્યુ છે.

ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ સમગ્ર ગુજરાતમાં આયોજીત સ્વાગતમ્ કૃષ્ણ 2026” કાર્યક્મની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે22 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે ચાંદખેડા – શ્રી સદારામ બાપા કોમ્યુનિટી હોલ, ઉમિયા પાર્ટી પ્લોટ, ગોતા, બાલાજી ઓએસિસ લૉન, પાલજ, ગાંધીનગર, 23 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, રાજકોટ – સિસન્સ હોટેલ, 29 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે ચાંદલોડિયા કોમ્યુનિટી સેન્ટર, મંગલપાંડે હોલ, નિકોલ, મેડોઝ, અદાણી શાંતિગ્રામ, 30 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે સાણંદ, કલોલ ટાઉનહોલ, વેદમંદિર, મણિનગર, તેમજ 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની સાંજે 6-00 કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, સુરત – મહેશ્વરી ભવન, હરેકૃષ્ણ મૂવમેન્ટ, વડોદરા – ઈવામોલ ખાતે આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમી મહોત્સવનો સંદેશ ભક્તો સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના રોજ સવારે 8 થી રાત્રી 12:30 સુધી ભાડજ ખાતે આવેલા ઇસ્કોન હરેકૃષ્ણ મુખ્ય મંદિરમાં તેમજ સેકટર-1 ગાંધીનગર ખાતે સવારે 8 થી રાત્રી 12:30 સુધી ભગવાન શ્રીકૃષ્ણની મહિમા વિવિધ સંદેશા સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જનમાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. અંતમાં 13 સપ્ટેમ્બરે કડી ટાઉનહોલ ખાતે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. અ સિવાય સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ તાલુકાના આશરે 10 ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વાગતમ્ કૃષ્ણ 2026” નો ઉદ્દેશ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના સંદેશ અને ભાવનાને મંદિરની બહાર સમાજના વિવિધ વર્ગો જેવા કે અબાલ વૃધ્ધ સ્ત્રી-પુરૂષ તેમજ ભારતના આશાસ્પદ ભવિષ્ય એવા યુવાવર્ગ  સુધી પહોંચાડવાનો છે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ શહેરો, નગરો અને ગામોમાં આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલની પ્રેરણા, કૃષ્ણ કૃપામૃર્તિ શ્રીલ પ્રભુપાદ, ઇસ્કોનના સ્થાપક-આચાર્ય પાસેથી પ્રાપ્ત થઈ છે. શ્રીલ પ્રભુપાદે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રીકૃષ્ણના સંદેશ, ભગવદ  ગીતાના ઉપદેશો અને હરેકૃષ્ણ મહામંત્રને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવામાં સમર્પિત કર્યું હતું જે સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” નો અગ્ર ભાગ છે.

“સ્વાગતમ્ કૃષ્ણ 2026” ની ઉજવણીના દરેક સ્થળોએ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા સમાજના અગ્રણી વ્યક્તિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ પહેલની પરાકાષ્ઠા 4 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે થશે. આ દિવસે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ અને ઇસ્કોન ગાંધીનગર, સેક્ટર-1 ખાતે સમગ્ર દિવસ દરમિયાન ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ યોજાશે.

આ ઉજવણીમાં ભક્તો તથા સામાન્ય જનતા માટે દર્શન, કીર્તન, ભક્તિ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિશેષ જન્માષ્ટમી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય પ્રાગટ્યનો આનંદમય ઉત્સવ ઉજવાશે