Search for:
  • Home/
  • હેલ્થ/
  • સુરતમાં BNI ગ્રેટર સુરત દ્વારા રમતોના મેદાન પર એચઆઈવી જાગૃતિનો અનોખો સંદેશ

સુરતમાં BNI ગ્રેટર સુરત દ્વારા રમતોના મેદાન પર એચઆઈવી જાગૃતિનો અનોખો સંદેશ

સુરત. બિઝનેસ નેટવર્કિંગની જાણીતી સંસ્થા બીએનઆઈ (BNI) ગ્રેટર સુરતે રમતોના ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીનો અદ્ભુત સંગમ સાધ્યો છે. સુરતમાં આયોજિત વિશાળ સ્પોર્ટ્સ ઇવેન્ટ દ્વારા સભ્યો વચ્ચે નેટવર્કિંગ અને ટીમવર્કને પ્રોત્સાહન આપવાની સાથે એચઆઈવી જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવી રહ્યો છે.

આ મેગા ઇવેન્ટ 14 ડિસેમ્બરથી શરૂ થઈ 28 ડિસેમ્બર સુધી ચાલશે. કુલ છ અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ, કેરમ, ક્રિકેટ, પિકલ બોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે. 14 ડિસેમ્બરે બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ અને કેરમ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હાલ 19 ડિસેમ્બરથી શરૂ થયેલી ત્રણ દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ધમાકેદાર રીતે ચાલી રહી છે, જેમાં BNI ગ્રેટર સુરતની 13 ટીમો અને અંદાજે 200 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આગામી શનિ-રવિવારે પિકલ બોલ અને વોલીબોલ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વોલીબોલમાં 8 ટીમો અને પિકલ બોલમાં 50થી 60 ખેલાડીઓ જોડાશે.

આ તમામ રમતોમાં મળીને અંદાજે 450થી 500 જેટલા ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકો ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ સભ્યો વચ્ચે એકતા, ટીમવર્ક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસાવવાનો તો છે જ, સાથે નવી બિઝનેસ તકો ઊભી કરવાનો પણ છે.

આ કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં એચઆઈવી પોઝિટિવ એડ્સ સંસ્થાઓ સાથે સહયોગ કરીને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં એચઆઈવી પોઝિટિવ બાળકો અને યુવતીઓએ 5થી 7 મિનિટનું આકર્ષક નૃત્ય પ્રદર્શન રજૂ કર્યું હતું. તેમજ ઇવેન્ટમાં ખાસ કોર્નર બનાવીને એચઆઈવી કેવી રીતે ફેલાય છે અને તેના વિશેની માહિતી આપવામાં આવી રહી છે.

BNI ગ્રેટર સુરતનો સ્પષ્ટ સંદેશ છે કે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને સમાજમાંથી અલગ ન પાડવા, પરંતુ તેમને પરિવાર અને સમાજનો સહારો આપીને જીવનમાં આગળ વધવાની તક આપવી. આ ઇવેન્ટમાંથી મળનારી આવકનો એક ભાગ એચઆઈવી પોઝિટિવ બાળકો અને મહિલાઓની સહાય માટે દાન કરવામાં આવશે.

આ આયોજન ગૌરવ વીકે સિંઘવી અને ડૉ. નિધિ સિંઘવી માર્ગદર્શન તથા નિશાંત શાહની રીજનલ ઇવેન્ટ ડિરેક્ટર તરીકેની મહેનતથી સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા BNI ગ્રેટર સુરત બિઝનેસની સાથે સામાજિક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.