ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સ, સુરત ખાતે ‘SARDAR – THE MAKER OF UNITY’ થીમ સાથે સર્જનાત્મકતા, નવીનતા અને રાષ્ટ્રભાવનાનો અનોખો કાર્યક્રમ

“સંગઠનથી શક્તિ, સંકલ્પથી સિદ્ધિ અને સેવાથી સમાજનું નિર્માણ.”

સુરત : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સ, સુરત ખાતે ‘SARDAR – THE MAKER OF UNITY’ થીમ સાથે વિશિષ્ટ મેકર્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલના જીવનમાંથી વિદ્યાર્થીઓ સંગઠન, સાહસ, સંકલ્પ, સેવા અને એકતાના મૂલ્યો આત્મસાત કરે તથા જવાબદાર નાગરિક બને તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ હતો.

શાળાના વિવિધ ક્લબ અને વિભાગોને એકસૂત્રમાં સાંકળીને આયોજિત આ કાર્યક્રમમાં Social Activity, Creativity અને Innovation દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા અને નવીન વિચારો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. સરદાર પટેલના જીવનપ્રસંગો, ચિત્રો, પેઇન્ટિંગ, આર્ટ-ક્રાફ્ટ, મોડેલ્સ તથા થીમ આધારિત કૃતિઓ દ્વારા તેમના રાષ્ટ્રનિર્માણના યોગદાનને સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. Science, Mathematics અને Technology આધારિત પ્રોજેક્ટ્સ, Live Painting તથા ‘Waste to Wonder’ જેવી પ્રવૃત્તિઓએ વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને ઉજાગર કરી હતી. સામાજિક ઉપયોગિતા આધારિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જરૂરિયાતમંદો પ્રત્યે સંવેદના અને સમાજપ્રત્યેની જવાબદારીના મૂલ્યો વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેવા કાર્યો થકી સહકાર અને સામાજિક જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયા, શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર, શ્રી દક્ષેશ માવાણી, શ્રી પિયુષભાઈ, શ્રી રઘુ ખુંટ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી ડૉ. સાધના સાવલિયા અને શ્રીમતી દેવિલા મિસ્ત્રી તથા સુરતના અન્ય નામાંકિત વ્યક્તિઓએ વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓની કૃતિઓ અને પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમણે પ્રોજેક્ટ્સ પાછળના વિચારો, નવીનતા અને સામાજિક ઉપયોગિતા વિશે જાણકારી મેળવી હતી તથા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, મહેનત અને આત્મવિશ્વાસને બિરદાવ્યાં હતાં.

ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સ, સુરતના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ઉત્સાહ અને નવીન અભિગમને બિરદાવતાં આવા આયોજનો બાળકોમાં આત્મવિશ્વાસ, સંશોધનવૃત્તિ, ટીમવર્ક અને સમાજ પ્રત્યેની જવાબદારી વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

શાળાના પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિતિથી આ મેકર્સ ડે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. **‘શીખો – વિચારો – બનાવો – સમાજ માટે ઉપયોગી બનો’**ના અભિગમને સાકાર કરતા આ કાર્યક્રમ દ્વારા સરદાર પટેલના એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો.