Search for:
  • Home/
  • ગુજરાત/
  • સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન

સુરત. સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન (ઇવી) રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના 21 શહેરોને આવરી લેતી 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવશે.

આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મિશન લાઇફ’થી પ્રેરિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું છે. આ રાઇડ દ્વારા યુવાનો લોકોમાં ઇવીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, જેથી વધુને વધુ લોકો ફોસિલ ઇંધણ પર નિર્ભરતા ઘટાડી ટકાઉ વિકલ્પો અપનાવે.

આ ઐતિહાસિક રાઇડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. રાઇડ દરમિયાન ગરીબી નાબૂદી, ઝીરો હંગર, આરોગ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટીમ આ રાઇડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આ લક્ષ્યોને પ્રોત્સાહન આપશે, જેમાં સ્વચ્છતા અભિયાનો, શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય સાથે સંવાદનો સમાવેશ થશે.

આ રાઇડમાં સામેલ યુવાનોમાં હેનિલ નિર્બાન, યશ ચોપડા, સાંઇનાથ ભાસ્કરન, યોગિતા નિર્બાન અને વરદ નિર્બાનનો સમાવેશ થાય છે. આ ટીમના જુસ્સા અને સમર્પણથી આ રાઇડ માત્ર પર્યાવરણ જાગૃતિ જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તનનું પણ માધ્યમ બનશે. હેનિલ નિર્બાને આ તબક્કે કહ્યું હતું કે “હું વર્ષોથી વૃક્ષારોપણ કરતો રહ્યો છું અને મને લાગતું હતું કે એજ મારી જવાબદારી છે. પરંતુ પિતૃત્વના દિવસે મને સમજાયું કે માત્ર ઝાડ વાવવું પૂરતું નથી પણ દુનિયાને જીવવાની રીત બદલવાની જરૂર છે. ટકાઉપણું એ ફક્ત પૃથ્વી માટે નથી પણ ભવિષ્યની પેઢી માટે આપણું વારસો છે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે. એટલે કે આ યાત્રા ફક્ત આજ માટે નહીં પણ આવતીકાલ માટે છે.

આ ભવ્ય આયોજનને એસ આર કે ગ્રૂપ, ગોલ્ડી સોલર, લુથરા ગ્રૂપ, લેન્ડમાર્ક ગ્રૂપ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સર્સનો સહયોગ મળ્યો છે. આ સંસ્થાઓના સમર્થનથી આ રાઇડની સફળતા માટેનો મજબૂત પાયો તૈયાર થયો છે.આ રાઇડ ન માત્ર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે, પરંતુ ભારતના યુવાનોની નવીન ઉર્જા અને સામાજિક જવાબદારીનું પ્રતીક પણ બનશે. આ યાત્રા દેશભરમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને ઉજાગર કરશે, અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીને સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કરશે.