Search for:
  • Home/
  • શિક્ષણ/
  • ઇન્ડોર સ્ટેડિયમમાં સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિનો સંગમ, વી. એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉત્સાહભેર સંપન્ન

ઇન્ડોર સ્ટેડિયમમાં સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિનો સંગમ, વી. એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉત્સાહભેર સંપન્ન

સુરત. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી વી. એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તા. 24 ડિસેમ્બર 2025ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષ 2024-25નો ભવ્ય વાર્ષિક ઉત્સવ ગૌરવભેર અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પદ્મશ્રી મથુરભાઇ સવાણી, પદ્મશ્રી સવજીભાઇ ધોળકિયા સહિતના અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું.
આ પ્રસંગે ગત બોર્ડની પરીક્ષામાં A અને A* ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગોધાણી પ્રતિભા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી ત્રણ વર્ષ માટે ફી માફી મેળવનાર ધોરણ-6ના વિદ્યાર્થીઓ તેમજ તમામ ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં A+ ગ્રેડ મેળવી એક વર્ષ માટે ફી માફી મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


વાર્ષિક ઉત્સવનું મુખ્ય આકર્ષણ શાળાના અંદાજે 1600 વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલાં સાંસ્કૃતિક કાર્યક્રમો રહ્યા હતા. દિવાળી, હોળી, ઉત્તરાયણ, નવરાત્રિ, જન્માષ્ટમી અને દુર્ગાપૂજા જેવા ભારતીય તહેવારો, ખેતી, હીરા અને કાપડ જેવા વ્યવસાયો તથા દેશભક્તિની થીમ પર તૈયાર કરાયેલી કૃતિઓએ ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા.
આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને શાળા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોવિંદકાકા તેમજ શ્રીમતી માધવીબેન અને મયુરીબેનના પ્રેરક માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર શ્રી ભાવેશભાઇ લાઠીયા અને શાળાના આચાર્યા દિવ્યાબેન ગજ્જરના સૂચન મુજબ શિક્ષકો દ્વારા કઠોર મહેનતથી તૈયાર કરવામાં આવ્યા હતા.
“વિદ્યાવિહારસદને, દીપ્ત ભવિષ્યદીપકમ્ ।
શિક્ષણં સંસ્કૃતિં યત્ર, તત્ વિદ્યાલયં નમામ્યહમ્ ॥”
આ સૂત્રને સાર્થક કરતો આ વાર્ષિક ઉત્સવ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વી.એન. ગોધાણી એ સંસ્કાર સાથે ધર્મનું શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થા છે. જ્યાં દરરોજ વિધાર્થીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવે છે. સાથે જ ગીતના અધ્યાયોનુ પઠન અને હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવે છે.