સુરત: ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સ,સુરતના મેનેજમેન્ટ દ્વારા શિક્ષકો અને કર્મચારીઓના ઉત્સાહ, સમર્પણ અને યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્યથી વિશેષ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલ, ડૉ. પ્રફુલભાઈ સિરોયા, શ્રી એમ.ડી. ઉપાધ્યાય તથા શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા, શ્રી નીતિનભાઈ ગજેરા અને રશ્મીબેન ગજેરા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા દ્વારા શિક્ષકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે શિક્ષકોને સંસ્થાના વિકાસ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે નિષ્ઠા, સમર્પણ અને ટીમભાવના સાથે સતત કાર્યરત રહેવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે “કર્મયોગી સન્માન” નો વિશિષ્ઠ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા સાથે ૧૦ વર્ષથી વધુ સમયથી જોડાયેલા શિક્ષકો સહિતના કર્મચારીઓના દીર્ઘકાલીન સમર્પણ અને સેવાઓને બિરદાવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે તમામ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

મહેમાનોએ પોતાના વક્તવ્યમાં ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા શિક્ષણક્ષેત્રે કરવામાં આવી રહેલા ગુણવત્તાસભર અને મૂલ્યનિષ્ઠ કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષક અને કર્મચારીનું સમર્પણ જ કોઈપણ શૈક્ષણિક સંસ્થાની સાચી શક્તિ છે અને આવા સન્માન સમારોહ કર્મચારીઓમાં નવી ઊર્જા અને વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે.
ત્યારબાદ શિક્ષકો અને કર્મચારીઓ માટે દિવાળીના પાવન પર્વની શુભેચ્છાઓ સાથે આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા શિક્ષકોને ઇનામો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે સૌ શિક્ષકોએ સાથે ભોજનનો આનંદ માણ્યો.
પ્રેરણા, સન્માન અને આનંદના સમન્વયથી યોજાયેલ આ ત્રિવિધ કાર્યક્રમ ગજેરા પરિવાર માટે યાદગાર બન્યો. ગજેરા પરિવાર હંમેશાં પોતાના શિક્ષકો અને કર્મચારીઓના સમર્પણ અને યોગદાનને બિરદાવતી રહી છે.
