Search for:
  • Home/
  • ગુજરાત/
  • 09 ઓગસ્ટ- શ્રાવણ પૂર્ણિમા એટલે ‘વિશ્વ સંસ્કૃત દિવસ’

09 ઓગસ્ટ- શ્રાવણ પૂર્ણિમા એટલે ‘વિશ્વ સંસ્કૃત દિવસ’

સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને અસ્મિતાનું પ્રતિક

ભારતની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું ભારતીય જનસમાજમાં પ્રસાર-પ્રચાર થાય તે ઉદ્દેશ્યથી વિશ્વસ્ય વૃત્તાન્તમ્ અખબાર પ્રસિદ્ધ કરીએ છીએ – પ્રકાશક મુર્તજા ખંભાતવાલા

સંસ્કૃતની મહત્તા સમજીને આયર્લેન્ડ જેવા પશ્ચિમના દેશોની શાળામાં સંસ્કૃત એક વિષયના રૂપમાં ભણાવવામાં આવે છે – તંત્રી શિવરાજ ઝા “શાન્તેય’

નવી શિક્ષણ નીતિમાં પણ સંસ્કૃતને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે…

સુરત : હિન્દુ પંચાંગ અનુસાર પવિત્ર શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની સાથે ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ની પણ ઉજવણી કરવામાં આવે છે. સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને અસ્મિતાનું પ્રતિક છે. સમગ્ર વિશ્વ આજે ભારતની સંસ્કૃતિ અને સંસ્કૃતમાં પ્રાપ્ત આયુર્વેદ અને યોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ‘સમાજસ્ય હિતં, સંસ્કૃતે નિહિતમ્ – અર્થાત ‘સમાજનું હિત સંસ્કૃતમાં સમાયેલું છે.’ સંસ્કૃતને સર્વ ભાષાઓની જનની કહેવામાં આવે છે. સંસ્કૃતનો વિકાસ તે આપણી ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને માનવ સભ્યતાનો વિકાસ છે. નવી શિક્ષા નીતિમાં પણ સંસ્કૃતને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે.

સુરતથી છેલ્લા 15 વર્ષથી નિયમિત પ્રસિદ્ધ થતા દૈનિક સંસ્કૃત સમાચાર પત્ર સંસ્કૃત ભાષાની વર્તમાન સ્થિતિ અને સંસ્કૃત પ્રત્યે સમાજના દાયિત્વ વિશે ‘વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ના તંત્રી શ્રી શિવરાજ ઝા “શાન્તેય’ જણાવે છે કે, સંસ્કૃત એ કર્મકાંડની કે પૂજા-પાઠ માટે જ ઉપયોગમાં લેવાય છે એવી માનસિકતાથી બહાર આવીને સંસ્કૃતમાં સમાવિષ્ટ જ્ઞાન, વિજ્ઞાનનો જે મહાસાગર છે તેને સમજવાની ખાસ જરૂર છે. આજના સમયમાં સંસ્કૃતની મહત્તા સમજીને પશ્ચિમના દેશોમાં પણ સંસ્કૃત શાળાકીય પાઠ્યક્રમમાં સામેલ છે. દા.ત. આયર્લેન્ડ દેશમાં પહેલા ધોરણથી સંસ્કૃત ભણાવવામાં આવે છે. આ રીત વિશ્વના ઘણા દેશોમાં સંસ્કૃતને આત્મસાત કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. જો ભારતને ખરા અર્થમાં વિશ્વગુરૂ તરીકે પુરવાર કરવું હોય તો પ્રત્યેક ભારતીય નાગરિકે સંસ્કૃતને આત્મસાત કરવું જ પડશે.

શ્રી ઝા વધુમાં જણાવે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંસ્કૃત પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. ગત ડિસેમ્બર-૨૦૧૯માં સંસ્કૃત ભારતીના રાજ્ય અધિવેશનમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’’ પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિશ્વસ્ય વૃત્તાન્તઃ અખબાર દ્વારા પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભની પ્રેસ બ્રિફિંગ અને મહાકુંભને લગતા કાર્યક્રમોનું આશરે 220 જેટલા સંસ્કૃત સમાચારોનું સંકલન કરીને મહાકુંભ વિશેષ પુસ્તક તેમજ ઉત્તરપ્રદેશ સરકારના વિવિધ કાર્યક્રમોના આશરે 400 જેટલા સંસ્કૃત સમાચારોનું સંકલન કરીને તેનું પણ એક વિશેષ પુસ્તક ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથને ભેટ રૂપે આપવા માટે તૈયાર કર્યું છે.

“વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ના પ્રકાશક મુર્તઝા ખંભાતવાલા જણાવે છે કે ભારત દેશમાં બધી જ ભાષાઓમાં દૈનિક સમાચાર પત્રો પ્રકાશિત થાય છે, ત્યારે સંસ્કૃતમાં કેમ નહીં? જે ભાષા લોકો સુધી પહોંચે છે તે ભાષા પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવામાં સક્ષમ હોય છે. આ વિચારને સાકાર કરવા માટે આબાલવૃદ્ધ બધાને સરળ ભાષામાં સંસ્કૃતનો પરિચય પ્રાપ્ત થાય અને સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સમાજમાં ચેતના જાગૃત થાય એ આશયથી અમે છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંતથી “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ નામથી દૈનિક સંસ્કૃત સમાચારપત્ર સંસ્કાર સંપન્ન સુરત શહેરથી પ્રકાશિત કરીએ છીએ. જે સુરત શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ગૌરવનો વિષય ગણી શકાય કે આજે “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ એ ભારતવર્ષનું એકમાત્ર નિયમિત પ્રસિદ્ધ થતું દૈનિક સંસ્કૃત સમાચારપત્ર છે.

ખંભાતવાલાએ ઉમેર્યું કે, વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ‘વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ દૈનિક ખૂબ જ સરળ, બોધગમ્ય અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ શબ્દ-સંયોજનનો ઉપયોગ કરે છે, જેથી વાચકો, પાઠકોને ભાષા સમજવામાં સરળતા રહે. ભારત જ નહીં સમગ્ર વિશ્વના લોકો સંસ્કૃતનો લાભ લઈ શકે તે માટે “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ આધુનિક સવલતોથી સજ્જ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી “ઈ-કોપી’ સંસ્કૃત પ્રેમીઓ સુધી સરળતાથી પહોંચે છે, પરંતુ લોકોમાં સંસ્કૃત પ્રત્યે સકારાત્મક અભિગમની ખૂબ જ જરૂરિયાત છે.