સાર્વજનિક યુનિવર્સિટીએ પાંચ વર્ષની ગૌરવપૂર્ણ સફરની અનોખી ઉજવણી કરી

સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સાર્વજનિક યુનિવર્સિટીએ તેની સ્થાપનાના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જૂન માસ દરમિયાન શૈક્ષણિક, સામાજિક અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોની શ્રેણી યોજી અનોખી રીતે ઉજવણી કરી હતી. શિક્ષણ, સંશોધન, નવાચાર અને સામાજિક ઉત્તરદાયિત્વને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટીએ સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.
યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક ચિંતન શિબિર, ઓપન ટેબલ ચર્ચાઓ, સ્કોલરશિપ વિતરણ, વૃક્ષારોપણ, રક્તદાન શિબિર તેમજ નવી સાર્વજનિક કોલેજ ઓફ લિબરલ આર્ટ્સના પ્રારંભ સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ શૈક્ષણિક વ્યાખ્યાનો, સંવાદો અને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓએ ઉજવણીને વિશેષ અર્થપૂર્ણ બનાવી હતી.
માસભરની ઉજવણીનું સમાપન સંસ્થાના દાતાઓ અને પૂર્વ અધ્યક્ષોના સન્માન તથા ઋણસ્વીકાર સમારોહ સાથે કરવામાં આવ્યું. પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં ડૉ. ફારુખભાઈ, શ્રી સેવંતીભાઈ, શ્રી ગિરીશભાઈ, શ્રી પંકજભાઈ, શ્રી કીર્તિભાઈ, કીકાણી પરિવાર, શ્રી કેતનભાઈ સહિત અનેક દાતાઓ અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ યુનિવર્સિટીની પ્રગતિ, સમાજસેવા અને શિક્ષણક્ષેત્રે આપવામાં આવેલા યોગદાનને બિરદાવ્યું હતું.
પોતાના સંબોધનમાં ડૉ. ફારુખભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસોની સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જેવી સંસ્થાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે KP Group ભવિષ્યમાં પણ આવા શિક્ષણલક્ષી કાર્યોમાં સહયોગ આપતું રહેશે.
શ્રી સેવંતીભાઈએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સંસ્થા તથા દાતાઓના યોગદાનને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. શ્રી ગિરીશભાઈએ સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા નેતૃત્વને વધુ જવાબદારી સોંપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી પંકજભાઈએ સંસ્થા સાથેના પોતાના વર્ષો જૂના આત્મીય સંબંધોને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
SCET કોલેજના પ્રથમ દાતા ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી કીર્તિભાઈ ખાસ મુંબઈથી ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ અધ્યક્ષો તરફથી શ્રી આર. જી. શાહે જણાવ્યું હતું કે દાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ પરંપરા સંસ્થાના મૂલ્યો અને જવાબદારીનું ઉત્તમ પ્રતિબિંબ છે.
કાર્યક્રમમાં સંસ્થાના દ્વિતીય પ્રમુખ શ્રી દિનકરરાય, વાઇસ ચેરમેન ડૉ. કિશોરભાઈ, શ્રી અજીતભાઈ, મેનેજિંગ કમિટીના સભ્યો, વિવિધ સંસ્થાઓના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.