Search for:
  • Home/
  • શિક્ષણ/
  • ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુડમાં સેમિનાર યોજાયો

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુડમાં સેમિનાર યોજાયો

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિરલ દેસાઈ દ્વારા પલસાણાની ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુટમાં ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચેન્જ’ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જે સેમિનારમાં સુરત જીપીસીબીના રિજનલ હેડ ડૉ. જિજ્ઞાસા ઓઝા પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતા.

આ સેમિનાર અંતર્ગત વિરલ દેસાઈએ ઈન્સ્ટિટ્યુડના વિદ્યાર્થીઓને પર્યાવરણ તેમજ ઊર્જા સંરક્ષણની મહત્તા તેમજ આપણી લાઈફ સ્ટાઈલમાં આ અભિગમ કઈ રીતે રાખવો એ વિશેની અનેક રસપ્રદ વાતો કરી હતી. તો વિશ્વભરમાં ક્લાઈમેટચેન્જ સંદર્ભે શું સ્થિતિ છે અને આ માટે ભારતનું યુવાધન વિશ્વને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એ વિશે પણ તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું હતું કે ‘જેમ આઝાદીની લડતમાં જનજન જોડાઈને સ્વાતંત્ર્ય સેનાની બનેલા એમ પ્રદૂષણ સામેની આ લડાઈમાં તમારે જોડાઈને ‘પર્યાવરણ સેનાની’ બનવું પડશે.’

તો ડૉ. જિજ્ઞાસા ઓઝાએ વિદ્યાર્થીઓને પ્રદૂષણ નિવારણ સંદર્ભના કેટલાક ટેક્નિકલ મુદ્દા સમજાવ્યા હતા. આ સેમિનાર દરમિયાન ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુડના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં ઈન્સ્ટિટ્યુડના ઈનચાર્જ આચાર્ય ડૉ. ભાવિકા દેસાઈએ બંને મહાનુભાવોનો આભાર માન્યો હતો અને ક્લાયમેટચેન્જ સામેની લડાઈમાં તેઓ અને તેમના વિદ્યાર્થીઓ હંમેશાં ખડેપગ રહેશે એવી ધરપત આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈના એનજીઓ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ જીપીસીબી સુરત વચ્ચે આ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચેન્જ’ મુવમેન્ટ અંતર્ગત એમઓયુ થયા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓને વિશાળ જાગૃતિ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. તેમજ બે લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.